Digital Gujarati Book
7 subscribers
Digital Gujarati Book
Download Telegram
Channel created
‘એક જૂનું ગોદડું’

તમારા લક્ઝરીયસ આવાસનાં સ્ટોરેજમાં એક જૂનું ગોદડું ગડી વાળીને મૂકી રાખજો. જેમાં તમારી માતાએ સ્વજનોનાં જૂના કપડાં કાપી ગોઠવીને,
તમારા પતંગની દોરની રઝડતી લચ્છાનાં દોરા વડે
કામગરા હાથે એના ટેભાં લીધા હશે....
એની ખોળ સીવી હશે પોતાના જૂના સુતરાઉ સાડલાથી,
જેમાં
પાલવને ગોદડું શોભે એમ ગોઠવ્યો હશે....
એ પાલવ,
જેની નીચે સંતાડીને તમારી માતાએ તમને અમૃતપાન કરાવ્યું હશે,
પછી એ જ પાલવ વડે તમારા હોઠ લૂછી આપ્યા હશે....
એ પાલવ નીચે,
પિતાના રોષથી બચવા તમને શરણ પણ મળ્યું હશે....
એ પાલવ,
જેના છેડે બાંધેલો રૂપિયો તમને ભમરડો ખરીદવા મળ્યો હશે....
એ પાલવ, તમે પડી આખડીને આવ્યા હશો ત્યારે તમારા
ધૂળ મિશ્રિત આંસુ લૂછયા હશે ને પછી
છાનામાના પોતાની આંખમાં આવેલ પાણી
પણ લૂછી લીધું હશે....
તમારા ઇમ્પોર્ટેડ બ્લૅકેટમાં જ્યારે અનિદ્રા સતાવે ત્યારે એ પાલવવાળા ભાગને તમે છાતી નજીક રાખી એ ગોદડું ઓઢી જોજો, તમને એક નાના બાળક જેવી મીઠી નીંદર આવી જશે....

-જીજ્ઞા કપુરિયા ‘નિયતી’